52 ગજની ધજા સાથે અંબાજી પગપાળા નીકળ્યો અમદાવાદનો સૌથી જૂનો સંઘ

બોલ માડી અંબે જય…જય અંબેનાં નાદથી અમદાવાદ શહેરનાં રસ્તાં ગુંજી ઉઠ્યાં છે. દર વર્ષે ભાદરવા સુદ એકમથી નીકળતી અંબાજી પગપાળા સંઘનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદની વ્યાસવાડી સંઘ દ્વારા ખૂબ જ ભવ્યાતિભવ્ય પગપાળા સંઘ ખૂબ જ મોટી સંખ્યામાં માંઇ ભક્તો જોડાયાં. જેમાં માતાજીની 52 ગજની ધજા, ત્રિશુલ, ધુપીયું અને કમંડળ સાથે ભક્તો આસ્થા અને શ્રદ્ધા સાથે અંબાજીના પગપાળા સંઘમાં જોડાયા અને ભાદરવી પુનમે આ 52 ગજની ધજા અંબાજીના શિખર પર લહેરાશે.
ભાદરવી પૂનમે માં અંબાના દર્શન કરવા માટે લાખો લોકો પગપાળા જાય છે, તો અમદાવાદ અને રાજ્યમાંથી અનેક નાના મોટા સંઘ પણ નીકળે છે. અમદાવાદના વ્યાસવાડીનો સંઘ સૌથી જૂનો સંઘ છે. સતત 22 વર્ષથી આ સંઘ 52 ગજની ધજા સાથે પગપાળા નીકળે છે. આજે પણ આ સંઘે પ્રસ્થાન કર્યું તેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા.ગરબા અને બોલ માડી અંબે જય જય અંબેના નારા સાથે માં અંબાના રથે પ્રસ્થાન કર્યું
આ સંઘની ધજા સૌપ્રથમ અંબાજી મંદિરમાં ચડાવામાં આવે છે અને સતત આ સંઘમાં લોકો જોડાય છે. અનેક જગ્યાએ આ સંઘનુ સ્વાગત કરવામાં આવ્યું, તો સંઘમાં માં અંબાના દર્શન માટે પણ ભક્તો ઉમટી પડ્યા હતા. રથની સાથે મહિલા ભક્તોએ માંના ગરબાની રમઝટ બોલાવી, તો બીજા ભાવિકોએ પણ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી.
સંઘમાં સામેલ થનાર લોકોનું કેહવું છે કે માં અંબા તેમની દરેક મનોકામના પુરી કરે છે અને તેઓ વિશ્વાસ અને આસ્થા સાથે આ સંઘમાં જોડાય છે. આ સંઘ 8 દિવસ બાદ અંબાજી મંદિરે પોહોચશે. આ સંઘમાં નાના બાળકોથી લઇને વડીલો પણ જોડાય છે, તો માં અંબાના રથને ખેંચવા ખાસ ટીમ પણ આ સંઘમાં સામેલ થાય છે.
આવા અનેક નાના અને મોટા સંઘ હવે અમદાવાદના રસ્તા પાર નીકળી રહ્યા છે. ભાદરવી પૂનમે માં અંબાના દર્શન કરવા દરેક ભક્તજનો આતુર હોઈ છે અને આવા સંઘમાં સામેલ થઈ તેઓ કૈક સેવા કરવાની લાગણી અનુભવે છે.


Post a comment

0 Comments