ઝુકરબર્ગ માત્ર એક કલાકમાં કમાયો 20 હજાર કરોડ રૂપિયા, જાણો કઈ રીતે?


ફેસબુકનો 2016ના બીજા ક્વાર્ટર એટલે કે એપ્રિલ-જૂન 2016નો બિઝનેસ પ્રભાવશાળી રહ્યો છે અને ફેસબુકે 6.44 અબજ ડોલરની આવક નોંધાવી છે. તેના યુઝર્સની સંખ્યા પણ વધીને 1.71 અબજથી વધારે થઈ ગઈ છે. ફેસબુકના પ્રભાવશાળી દેખાવને કારણે એક જ દિવસમાં તેના શેરના ભાવમાં 7.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો, અને ફેસબુકના શેર 132 ડોલર પ્રતિ શેર પર બંધ થયા. આ ઉછાળાએ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને ફક્ત એક કલાકમાં 3 અબજ ડોલર એટલેકે 20 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી આપી.
ફોર્બ્સ મેગેઝીન અનુસાર માર્ક ઝુકરબર્ગની નેટ વર્થ 56.7 અબજ ડોલર થવાથી ધનિકોની યાદીમાં પાંચમા ક્રમે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે ઝુકરબર્ગની કુલ સંપત્તિ હવે એમેઝોનના સ્થાપક જેફ બેજોસની સંપત્તિની કરતાં થોડી જ ઓછી છે. જેફ બેજોસની નેટવર્થ 64 અબજ ડોલર છે.
જૂનમાં ફેસબૂક યુઝર્સની સરેરાશ સંખ્યા 1.13 અબજ હતી જે ગયા વર્ષની સરખામણીમાં 17 ટકા વધારે છે. ચાલુ મહિને મોબાઈલમાં ફેસબુક વપરાશકારોની સંખ્યા 1.03 અબજ રહી, જે ગત વર્ષની સરખામણીમાં 22 ટકા વધારો દર્શાવે છે.
આ અંગે માર્ક ઝુકરબર્ગે એક નિવેદન આપતા કહ્યું કે, આ ત્રિમાસિક ગાળામાં અમારું પ્રદર્શન અને વ્યાપાર સારો રહ્યો છે. ખાસ કરીને વીડિયોના ક્ષેત્રમાં અમારું પ્રદર્શન ઉચ્ચ હતું. આ સેવા અમારી સેવાઓમાંની સૌથી મહત્વની સેવા છે. ઉલ્લેખનીય છે કે, ફેસબુક પર દરરોજ 2 લાખ અબજ સર્ચ કરવામાં આવે છે, જે એક વર્ષ પહેલાં 1.5 અબજ હતી.

Post a comment

0 Comments