સાંજથી ચોમાસુ જમાવટ કરશેઃ મુંબઇ-ગોવામાં એલર્ટ જાહેર
મુંબઇ સહિત કોંકણ અને ગોવાના તમામ વિસ્તારોમાં આવતા ૩ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશેઃ દિલ્હીમાં કાલથી મેઘરાજાનું આગમનઃ સિક્કીમ અને પ.બંગાળમાં ભારે વરસાદઃ કર્ણાટકના કિનારા વિસ્તારમાં વરસાદઃ બિહાર સાથે યુપીમાં ર૪ થી ૪૮ કલાકમાં ભારે વરસાદ પડશે
મુંબઇ તા.રપ : મુંબઇ સ્થિત કોંકણ અને ગોવામાં આવતા ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની આશંકા છે. હવામાન વિભાગે આ અંગેની ચેતવણી પણ જારી કરી છે.
એવુ અનુમાન છે કે, અરબી સમુદ્ર સાથે લાગેલા વેસ્ટર્ન ઘાટ વિસ્તારમાં ભેજવાળા પવનોની રફતાર વધશે અને તેનાથી ભારતના પશ્ચિમ કિનારે ગાઢ વાદળોની અવર-જવર વચ્ચે ધનાધન વરસાદનો દોર ચાલુ રહેશે.
હવામાન વિભાગના ડીડીજીએમ બી.પી.યાદવના કહેવા મુજબ આજથી મુંબઇમાં ભારે વરસાદનો દોર શરૂ થતા તે વેગ પકડશે. એવુ અનુમાન છે કે, આવતીકાલે મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડશે. આને ધ્યાનમાં રાખીને લોકોને તાકીદ કરવામાં આવી છે.
અત્રે એ નોંધનીય છે કે, ભુ-મધ્ય રેખાથી ચોમાસાના પવનોનું જોર અરબી સમુદ્ર ઉપર વધ્યુ છે તેનાથી ભારે રફતારવાળા ભેજવાળા પવનો કોંકણ અને ગોવાના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવી રહ્યા છે એટલે કે મુંબઇના દક્ષિણના ર૦૦ કિ.મી. દુરી પર મોજુદ હરનાઇમાં ર૪ કલાકમાં ૩૬ સે.મી. વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય કર્ણાટકના કિનારાઓ પર સતત વરસાદ ચાલુ છે.
બીજી તરફ સિક્કીમ અને પ.બંગાળના ઉપરના હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન ખાતાના કહેવા મુજબ પ.બંગાળ અને બિહારની સાથે-સાથે પુર્વીય યુપીમાં આવતા ર૪ કલાકથી ૪૮ કલાકમાં ભારે વરસાદ નોંધાશે.
આવતીકાલથી દિલ્હીમાં પણ ભારે વરસાદનો સીલસીલો શરૂ થશે અને બે થી ત્રણ દિવસ સુધી તે ચાલે છે.
બંગાળના અખાતની વાત કરીએ તો હવાનુ હળવુ દબાણ બની ચુકયુ છે જે આવતા ૪૮ કલાકમાં દક્ષિણ ભારતની મુખ્ય ભુમિ ઉપર આવી જશે. તે સાથે દેશની અંદર ચોમાસાના પવનોમાં વેગ આવશે. જેને કારણે મધ્ય ભારતની સાથે સાથે ઉત્તર ભારતમાં પણ આવતીકાલથી ભારે વરસાદનો દોર શરૂ થશે