એક્ટિવાને ફંગોળતા સ્ટુડન્ટનું મોત,કાર ઊંધી વળી ગઇ

રાજકોટના કાગદડી ગામ પાસે આજે સવારે એક્ટિવા પર વિદ્યાર્થિની જઇ રહી હતી. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી આઇ20 કારે અડફેટે લીધી હતી. જેમાં એક્ટિવા સવાર વિદ્યાર્થિની ફંગોળાઇ રોડ પર પટકાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 


આજે વહેલી સવારે દિવ્યા નામની વિદ્યાર્થિની એક્ટિવા પર જઇ રહી હતી ત્યારે જીજે 36 બી 0857 નંબરની આઇ20 કારે તેને અડફેટે લીધી હતી. આથી એક્ટિવા પરથી વિદ્યાર્થિની ફંગોળાઇ રોડ પર પટકાતા મોત નિપજ્યું હતું. તેમજ કાર પણ પલ્ટી મારી ઉંધી વળી ગઇ હતી. કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ પોલીસને જાણ થતા દોડી ગઇ હતી. 

એક્ટિવા અને કાર બન્નેનો ભુક્કો બોલી ગયો
આઇ20 કાર પલ્ટી મારતા ઉંધી વળી ગઇ હતી. જેમાં કારના કાચ અને બોનેટનો ભુક્કો બોલી ગયો હતો. તો બીજી તરફ એક્ટિવાનો આગળનો ભાગ પૂરી રીતે ભાંગીને ભુક્કો થઇ ગયો હતો.