દાહોદ:દાહોદ રેલવે સ્ટેશન પર પાટા ઓળંગીને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટ ફોર્મ પર જતી મહિલાને આરપીએફના જવાને માલગાડીની અડફેટે આવતા બચાવી લીધી હતી. માલગાડી એક જ હાથ દૂર હતી ત્યારે આરપીએફના જવાને મહિલાને હાથ પકડીને પ્લેટફોર્મ પર ખેંચી લેતા આબાદ બચાવ થયો હતો.આ ઘટના જોઇને પ્લેટફોર્મ પર હાજર મુસાફરો સ્તબ્ધ થઇ ગયા હતા.
મહિલાએ અન્ય પ્લેટફોર્મ પર જવા પાટા ઓળંગવાનો શોર્ટકટ અપનાવ્યો
બનાવની વિગતો અનુસાર, જાહેદાબેન મહેમૂદભાઇ ટેલર અને હાજરાબેન અસલર સાથે નાનો બાળક ગોધરાથી બુધવારે સાંજે સવા ચાર વાગ્યાની જમ્મુ તાવી ટ્રેનમાં મુસાફરી કરીને દાહોદ રેલવે સ્ટેશન પર આવ્યા હતા. તેઓ ત્રણે પ્લેટફોર્મ નંબર 3 પર ઉતર્યાં હતાં. પ્લેટફોર્મ નંબર 1 પર જવા માટે આ મહિલાઓએ સીડી મારફતે જવાને બદલે પાટા ઓળંગીને જવાનો જોખમી શોર્ટકર્ટ અપનાવ્યો હતો. નાનો બાળક અને જાહેદાબેન પ્લેટફોર્મ પરથી નીચે ઉતરીને રેલવે ટ્રેક પસાર કરી રહ્યા હતા. દરમિયાન માલગાડી આવતી નજરે પડી હતી. જેને પગલે નાનો બાળક પરત પ્લેફોટફોર્મ પર કૂદીને ચઢી ગયો હતો. જયારે મહિલા ગભરાઇ ગઇ હોવાથી ચઢી શકી ન હતી.
મહિલા અને ધસમસતી માલગાડી વચ્ચે એક જ હાથનું અંતર
દરમિયાન ફરજ પર હાજર આરપીએફના જવાન અમરેન્દ્રકુમાર દોડીને પહોંચી ગયો હતો. મહિલા અને ધસમસતી માલગાડી વચ્ચે એક જ હાથનું અંતર બાકી રહ્યું હતું. ત્યારે આરપીએફ જવાને પૂરી તાકાત લગાવી મહિલાનો હાથ પકડીને રેલવે ટ્રેક પરથી પ્લેટફોર્મ પર ખેંચી લીધી હતી. જેને પગલે મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ દ્દશ્યો જોઇને અન્ય મુસાફરો પણ સ્તબ્ધ થઇ ગયા હતા.
Tags
Gujarati News