Updates

6/recent/ticker-posts

Header Ads Widget

નીતિન પટેલ ગુજરાતના CMનો કાંટાળો તાજ પહેરવા તૈયાર : ઘરે પત્રકારોને કાજુકતરી ખવડાવી


અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ નક્કી થઇ ગયું હોવાના અહેવાલ છે. નીતિન પટેલે પણ જવાબદારી સ્વીકારવાની તૈયારી દર્શાવી છે. નીતિન પટેલે કહ્યું હતું કે તેઓ મોદીના વિકાસવાદને આગળ વધારવા તૈયાર છે. તેમણે પોતાના ઘરે આવેલા પત્રકારોને કાજુકતરી ખવડાવી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના નવા મુખ્યમંત્રીની વરણીના નિરીક્ષક નીતિન ગડકરી તેમજ સરોજ પાંડેની ઉપસ્થિતિમાં શુક્રવારે સાંજે 4 વાગ્યે ભાજપના ધારાસભ્યોની બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે મળશે. બેઠકમાં ભાજપના વિધાનસભા ગૃહના નવા નેતાની વરણીપ્રક્રિયા હાથ ધરાશે, જેના અંતે સાંજે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
divyabhaskar.com સાથે નીતિન પટેલની વાતચીત

નીતિન પટેલે અમદાવાદના સતાધાર સોસાયટી વિસ્તાર ખાતે આવેલા પોતાના ઘરે divyabhaskar.comને જણાવ્યું હતું કે આજે સાંજે 4 વાગે પાર્ટી જે જવાબદારી સોંપશે એ સ્વીકારવા તૈયાર છું.નરેન્દ્ર મોદીના શાશનમાં જાતિવાદનું નહીં પણ વિકાસવાદનું શાશન છે જેને અમે આગળ વધારીશું. ભાજપ માત્ર અને માત્ર વિકાસને વરેલું છે. પાટીદાર સમાજ સાથે અમારી નવી સરકાર વાતચીત દ્વારા ઉકેલ લાવશે. અમારો સમાજ સમજુ અને શિક્ષિત છે. સાથે બેસીને સમાધાન લાવીશું. નીતિનભાઇના પત્ની સુલોચનાબેને divyabhaskar.comને કહ્યું હતું કે, તે પરિવાર સાથે પક્ષના કાર્યકરોના પરિવારને પણ ભુલતા નથી. પરિવારને પૂરતો સમય ફાળવે છે. તેમની એ ભાવના જ તેમને ઉચ્ચ દરજ્જે લઇ જાય છે. તેમને જે જવાબદારી આપવામાં આવશે એ સારી રીતે નિભાવશે.

નીતિન પટેલનું નામ સીએમ પદ માટે નક્કી

અહેવાલો મુજ્બ, નીતિન પટેલનું નામ સીએમ પદ માટે નક્કી થઈ ગયું છે અને શ્રાવણ માસના પ્રથમ સોમવારે તેથો શપથ લેશે. આજે 4 વાગે કમલમ ખાતે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ કહ્યું હતું કે કેન્દ્રીય નિરિક્ષણોની ધારાસભ્યો સાથે ચર્ચા બાદ નામ જાહેરાત કરવામા આવશે.

અમિત શાહના બંગલે સતત બેઠકો

સૂત્રોના જણાવ્યા અનુસાર નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો, મંત્રીમંડળમાંથી કોને સંગઠનમાં જવાબદારી સોંપવી તેમજ રાજ્યની સાંપ્રત સ્થિતિ અને 2017 સુધીની રણનીતિને ધ્યાનમાં રાખીને સંગઠનમાં કેવા ફેરફારો કરવા તે અંગે મનોમંથન કરાયું હતું. ગુરુવારે અમિત શાહના થલતેજ ખાતેના બંગલો પર સતત બેઠકોનો દોર ચાલ્યો હતો. સવારથી બપોરના સમય દરમિયાન પ્રદેશપ્રભારી દિનેશ શર્મા અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતિષે શાહની મુલાકાત કરી હતી. બપોરે 4 વાગ્યે આ બંને પદાધિકારી ફરીથી શાહના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમના આવ્યા બાદ વિજય રૂપાણી, નીતિન પટેલ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રકાકાએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

બે દિવસથી નીતિન પટેલ દેખાય છે ખુશખુશાલ

આજે અમિત શાહને મળવા પહોંચેલા નીતિન પટેલ ખુશખુશાલ દેખાઈ રહ્યાં છે. બુધવારે પણ ગાંધીનગરમાં બે કેન્દ્રીય નેતાની વિવિધ નેતાઓ સાથે બેઠક પછી જે સંકેત મળ્યા બાદ પણ તેઓ ખુશ દેખાતા હતા. પસંદગીના બે દિવસ પહેલાં ભાજપના કોઈ પણ નેતામાં આટલો આત્મવિશ્વાસ હોતો નથી જેટલો નીતિન પટેલમાં દેખાયો.

સ્પષ્ટ સંકેત પણ મળ્યા

આનંદીબહેન સરકારમાં સેકન્ડ ઈન કમાન્ડ રહેલા નીતિન પટેલના હાવ-ભાવ હૂ-બ-હૂ નવા મુખ્યમંત્રી જેવા હતા. પક્ષના પ્રદેશ પ્રભારી દિનેશ શર્મા સાથે બુધવારે વિજય રૂપાણી અને નીતિન પટેલ સહિત વિવિધ નેતાઓની બેઠક યોજાઈ. બેઠકમાંથી નિકળ્યા બાદ સૌથી વધુ આત્મવિશ્વાસ નીતિન પટેલના ચહેરા પર દેખાયો. સ્પષ્ટ સંકેત પણ મળ્યા કે તેઓ જ ગુજરાતના નવા મુખ્યમંત્રી હશે. મીડિયામાં તેમનો બાયોડેટા પણ મોકલાયો. પરંતુ છાતી ઠોકીને કશું જ કહી શકાય તેમ નથી. 

Post a Comment

0 Comments