વડોદરા: શહેરના કારેલીબાગના યુવાને કોબ્રાનું બચ્ચું બરણીમાં મૂકીને ફેસબુક પર સેલ્ફી મુકી 1000 રૂપિયામાં વેચવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી એનિમલ એક્ટિવિસ્ટ અને વન વિભાગ એક્શનમાં આવ્યું હતું. આ હરકત કરનાર યુવાનને બોલાવીને તેને 25,000ની પેનલ્ટી ફટકારી હતી.જ્યાર બાદ યુવકે ફેસબુક પરથી આ પોસ્ટ પણ હટાવી લીધી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2013ના જુલાઇ મહિનામાં મગરના બચ્ચા સાથે ફોટો પડાવી ફેસબુક પર મુકનાર માંજલપુરના ત્રણ યુવકોની પણ ધરપકડ કરાઇ હતી.
એનિમલ એક્ટિવિસ્ટની સતર્કતાથી બહાર આવી વિગતો
આ મામલે શહેરના એનિમલ એક્ટિવિસ્ટ નેહા પટેલે જણાવ્યું હતું કે એક કાર્યકરે યશ બારોટના ફેસબુક પર આ પોસ્ટ જોઇ હતી. જેથી તેણે મને વોટ્સ એપ પર આ તસવીરની જાણ કરી હતી. કારેલીબાગમાં રહેતા યશ બારોટ નામના આ યુવાને કોબ્રાના બચ્ચાને બરણીમાં મૂકીને ફેસબુક પર તસવીર પોસ્ટ કરી હતી અને સાથે જ 1000 રૂપિયામાં વેચવાની જાહેરાત પણ કરી હતી. આ તસવીર જોતાં જ મેં તસવીર અપલોડ કરનાર યુવાનની ડિટેઇલ મેળવી હતી. ત્યાર બાદ વન વિભાગમાં જાણ કરતાં વન વિભાગના અધિકારીઓએ તુરત જ આ યુવાનનો સંપર્ક કર્યો હતો. યુવાનને વન વિભાગની ઓફિસે બોલાવી તેની પાસેથી 25,000 રૂપિયાની પેનલ્ટી વસૂલવાનો આદેશ કર્યો હતો.યુવકે ફેસબુક પરથી આ પોસ્ટ પણ હટાવી લીધી હતી.