Updates

6/recent/ticker-posts

Header Ads Widget

મુંબઈ-ગોવાને જોડતો પુલ પાણીમાં તણાયો, 2 મોત; વાહન સાથે 20 લોકો ગુમ


રાયગઢઃ મુંબઈથી અંદાજે 175 કિલોમીટરના અંતરે ગોવા-મુંબઈ હાઈવે પર મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ સાવિત્રી નદી પર બનેલો પુલ પાણીમાં તણાઈ ગયો હતો. પાણીમાં તણાયેલા પુલની સાથે સાથે બે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સહિત 15 જેટલા ટુ વ્હીલર્સ હજુ પણ ગુમ છે. તેને શોધવા માટે એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો કામે લગાડવામાં આવી છે. રાયગઢના કલેક્ટર શીતલ ઉગાલેના જણાવ્યા પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બે મૃતદેહ મળ્યાં છે. રાયગઢ ASP સંજય પાટિલે પુષ્ટિ કરી છે કે, દુર્ઘટનામાં 22 મુસાફરો સાથેની બે બસો ગુમ થઈ છે. ઘટનાની ગંભીરતાને સમજી સીએણ ફડણવીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
દુર્ઘટના બાદ મુંબઈ-ગોવા હાઈવે ઠપ

- મળતી વિગતો પ્રમાણે, આ દુર્ઘટના બાદથી એક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં સવાર 22 મુસાફરો હજુ પણ ગુમ છે.
- પુણે અને મુંબઈથી એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ) ટીમ રાયગઢ માટે રવાના થઈ ગઈ છે. ઘટના સ્થળે 50 એનડીઆરએફના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા છે.
- ગુમ વાહનો અને 22 લોકોની શોધખોળ માટે ચેતક હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે..
- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાયગઢના કલેક્ટર અને કમિશનર સાથે વાત કરીને રાહત કાર્યની જાણકારી મેળવી છે.
- આ દુર્ઘટના બાદ મુંબઈ-ગોવા હાઈવે ઠપ થઈ ગયો છે. રસ્તા પર ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

સંસદમાં ઉઠ્યો રાયગઢ મુદ્દો

- મુંબઈ-ગોવા હાઈવે પર પુલ તણાઈ જવાને લઈને ગૃહમંત્રી રાજનાથ સિંહે સંસદમાં નિવેદન આપ્યું છે.
- રાજનાથ સિંહે રાહત અને બચાવ કામગીરી વિશે જણાવ્યું.
- તેમણે કહ્યું કે, બચાવ કામગીરી માટે એનડીઆરએફની ચાર ટીમો મોકલવામાં આવી છે.
- વધુમાં રાજનાથ સિંહે કહ્યું કે, 12 બોટ અને 115 જવાનોને મોકલવામાં આવ્યા છે.
- કેન્દ્ર સરકાર મુશ્કેલીના સમયમાં મહારાષ્ટ્ર સરકાર સાથે છે અને શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

શું કહ્યું મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસે?

- મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરીને કહ્યું કે, મહાબળેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ બાદ નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતું અને તેના જ કારણે પુલ ધરાશાયી થયો છે.
- તેમના પ્રમાણે, દુર્ઘટનામાં ગુમ થયેલા લોકો વિશે કોઈ સ્પષ્ટ જાણકારી નથી. કારણ કે, જ્યારે ઘટના બની ત્યારે વિસ્તારમાં ઘોર અંધારુ હતું.
- મુખ્યમંત્રી પ્રમાણે, તે વિસ્તારમાં બે પુલ છે અને જુનો પુલ પડ્યો છે જ્યારે ટ્રાફિક બીજા નવા પુલ પરથી પસાર થઈ રહ્યો છે.

શું કહ્યું NDRF ડીજીએ?

- NDRF ડીજીએ ઓપી સિંઘે મીડિયાને જણાવ્યું કે, 'અમે પુણેથી એક એનડીઆરએફ ટીમ રવાના કરી દીધી છે.'
- 'ટીમને ભારે વરસાદ અને ટ્રાફિક જામના કારણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટૂંક સમયમાં પહોંચી જશે.'
- 'પ્રાથમિક જાણકારી પ્રમાણે, કેટલાક વાહનો અને લોકો તણાઈ ગયા છે. અમારી ટીમ ડીપ ડાઇવર્સ અને જીવનરક્ષક સાધનોથી સજ્જ છે.'
- 'અમારી ટીમ પહોંચતા જ બચાવ કામગીરી હાથ ધરશે.'

પુલ 110 વર્ષ અગાઉ બ્રિટિશ કાળમાં બનાવવામાં આવ્યો હતો

- તાજેતરની જાણકારી પ્રમાણે, પાણીમાં તણાયેલી બસોમાં સવાર મુસાફરોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. બસનો ડ્રાઈવર તથા કંડક્ટર પણ ગુમ છે.
- સ્થાનિક પોલીસની મદદથી રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક જામને જોતા નજીકમાં બનેલા નવા પુલ પરથી ગાડીઓને પસાર કરાવવામાં આવી રહી છે.
- પાણીમાં તણાયેલો પુલ અંદાજે 110 વર્ષ પહેલા બ્રિટિશ કાળમાં બનાવવામાં આવ્યો હતો.
- પ્રાથમિક તપાસમાં પુલ ધરાશાયી થવાનું કારણ પાણીનું હાઈપ્રેશર હોવાનું જણાય રહ્યું છે.
- ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી રાયગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અહીંની મોટાભાગની નદીઓમાં પુર જેવી સ્થિતિ છે.

See video

Post a comment

0 Comments