રાજકોટ: આવક વેરા વિભાગની ઇન્વેસ્ટીગેશન ટીમે વડાલિયા ગ્રૂપની 54 ઓફિસ, ફેક્ટરી અને ઘર પર સર્ચ ઓપરેશન શરૂ કરતા ચર્ચામાં આવ્યું છે. વડાલિયા ગ્રૂપે કુલ 32થી વધુ નમકીન અને ફ્રાઇમ્સની પ્રોકડક્ટથી માર્કેટ સર કર્યુ છે. તેમજ હાઇબોન્ડ સિમેન્ટમાં 20થી વધુ વર્ષથી નામના મેળવી છે. રાજકોટના કોઠારીયામાં પાંચ એકરમાં વડાલિયા ફૂડસનો વિશાળ પ્લાન્ટ આવેલો છે. પ્લાન્ટમાં અત્યંત આધુનિક મશીનરી છે. વડાલિયા ગ્રૂપનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડથી વધારે છે. જેમાં હાઇબોન્ડ સિમેન્ટ, કિશાન એગ્રોનો પણ સમાવેશ થાય છે.
1965માં વડાલિયા ફેમિલીએ રાજકોટમાં કિશાન એગ્રોથી શરૂઆત કરી હતી
વડાલિયા ફૂડસના મેનેજિંગ ડિરેક્ટર રાજનભાઇ વડાલિયા છે. વડાલિયા ફેમિલી મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કલાણા ગામના વતની છે. વડાલિયા ફેમિલી ખેતી સાથે જોડાયેલો હતો. 1965માં વડાલિયા ફેમિલીએ રાજકોટમાં સૌપ્રથમ કિશાન એગ્રોથી વ્યવસાયની શરૂઆત કરી અને બાદમાં પ્રગતિના શિખરો સર કરતા ગયા અને હાઇબોન્ડ સિમેન્ટની શરૂઆત કરી. 20 વર્ષથી હાઇબોન્ડ સિમેન્ટની નામના દેશભરમાં છે. જેમાં હાઇબોન્ડ સિમેન્ટ, કિશાન સિમેન્ટ, મેજર સિમેન્ટ સહિતની પ્રોડક્ટ બનાવવામાં આવી રહી છે. બાદમાં માર્ચ 2014થી વડાલિયા ફૂડસની શરૂઆત કરી હતી. જેમાં નમકીન, ફ્રાઈમ્સ, ફરસાણની 32થી વધુ પ્રોડક્ટ બનાવવામાં આવી રહી છે.
વડાલિયા ફૂડસની આઇટમો દેશભરમાં પ્રખ્યાત
વડાલિયા ફુડસની આઇટમો વેચાણ વ્યવસ્થા શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં કરવામાં આવી હતી. બાદમાં સમગ્ર ગુજરાત અને દેશભરમાં ગોઠવવામાં આવ્યો. આજે દેશભરમાં વડાલિયા ફૂડસની આઇટમો પ્રખ્યાત છે.