મુંબઈ: કિડની રેકેટ ચલાવવાના આરોપ સબબ મુંબઈની વિખ્યાત હિરાનંદાની હોસ્પિટલના પાંચ ડૉક્ટર, મેડિકલ ડાયરેક્ટર સહિત કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઓપરેશન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ડૉક્ટર ગુજરાતી હોવાનું બહાર આવ્યું છે. મુકેશ દોશી નામના ડોક્ટરે અમદાવાદની બીજે મેડિકલમાંથી MBBS અને MS કર્યું છે. સમગ્ર મામલો સુરતના રહેવાસીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ બહાર આવ્યો હતો. કિડની દાન કરનારી અને પત્ની તરીકે ખોટી રજૂઆત કરનારી મહિલા પણ ગુજરાતી હતી. ધરપકડ કરવામાં આવેલા ડોક્ટર્સ ઉપર બનાવટી ડૉક્યુમેન્ટ્સ ઊભાં કરીને કિડનીનું ખરીદ-વેચાણ કરવાનો આરોપ છે.
સુરતના રહેવાસીના કિડની ટ્રાન્સપ્લાન્ટ મામલથી બહાર આવ્યું કૌભાંડ
- મુંબઈ પોલીસને મળેલી બાતમીના આધારે 15 જુલાઈના રોજ પવાઈ ખાતેની એલએચ હિરાનંદાની હોસ્પિટલમાં ચાલતા કિડની કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
- સુરતના રહેવાસી અને કિડની ફેલ થવાના અંતિમ સ્ટેજના દર્દી એવા બ્રિજકિશોર જયસ્વાલને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાને લઈને સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
- બ્રિજકિશોર જયસ્વાલને શોભા ઠાકુર નામની મહિલાએ કિડની દાન કરી હતી. શોભા ઠાકુર બ્રિજકિશોરની પત્ની રેખા દેવી છે તેવી ખોટી માહિતી રજૂ કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટની કામગીરી કરવામાં આવી હતી.
- મહત્વપૂર્ણ બાબત એ છે કે, પૈસા લઈને કિડની આપનાર શોભા ઠાકુર પણ ગુજરાતની છે.
કૌભાંડમાં સામેલ પાંચ ડૉક્ટરો પૈકી એક બીજે મેડિકલનો પૂર્વ સ્ટુડન્ટ
- ત્રણ સભ્યોની બનેલી તપાસ કમિટિની તપાસ બાદ કિડની કૌભાંડમાં પાંચ ડૉક્ટરોની ભૂમિકા સંદિગ્ધ હોવાની વાત બહાર આવી હતી.
- પાંચેય ડૉક્ટરોની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી યુરોલોજીસ્ટ ડૉ. મુકેશ શાહ ગુજરાતી છે.
- ડૉ. મુકેશ શાહની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલી માહિતી મુજબ તેઓએ 1983માં બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી એમબીબીએસ કર્યું હતું તથા 1987માં જનરલ સર્જરીમાં એમએસની પદવી મેળવી હતી.
- ત્યારબાદ તેઓએ 1991માં નવી દિલ્હીથી ડીએનબી યુરોલોજીની પદવી મેળવી હતી.
- હિરાનંદાની હોસ્પિટલમાંથી અન્ય ધરપકડ કરાયેલા ડૉક્ટર્સમાં ડૉ. સુજીત ચેટર્જી (સીઈઓ), ડૉ. અનુરાગ નાઈક (મેડિકલ ડાયરેક્ટર), ડૉ. પ્રકાશ શેટ્ટી તથા ડૉ. મુકેશ શેટેનો સમાવેશ થાય છે.
આગળ વાંચોઃ ડૉ. મુકેશ શાહ ક્યારેય કિડની આપનાર અને લેનારને મળ્યા નહોતા