ડેડિયાપાડામાં ટ્રક અડફેટે SRP જવાનનું મોત, થયા શરીરના બે ટૂકડા
ડેડિયાપાડાઃ ડેડિયાપાડા તાલુકા મથકે વાલિયા એસ.આર.પી. ગૃપનાં જવાનો છેલ્લા બે માસથી બંદોબસ્ત અર્થે ગોઠવાયા છે. શુક્રવારે સવારનાં સમયે એક જવાન કોઈ કામ અર્થે પોતાની મોટર સાઈકલ લઈને બજારમાં જતાં ચારરસ્તેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક ટ્રક ચાલકે જવાનને બાઈક સાથે અડફેટે લઈ લેતાં ટ્રકનાં પાછળનાં વ્હિલ નીચે આવી જતાં જવાનનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ટ્રક ચાલક અકસ્માત બાદ ટ્રક સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો.
સ્ટેટ હાઈવે ઉપર ટ્રકનાં ચાલકે ખાલી સાઇડ્ના ભાગે પાછળનું વ્હીલ ચડાવી દઈ મોત નિપજવતાં લોકોમાં ફફડાટ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભુછાડ ગામના મિથુનભાઇ ઝીણાભાઇ વસાવા વાલિયા તાલુકાના રૂપનગર ખાતે આવેલા એસ. આર.પી. ગૃપમાં આ.પો.સ.ઇ.પ્લાટુન કંમાંડર તરીકે કંપની બી માં ફરજ બજાવતા હતા. તેઓ તા.11 મે, 2016 થી બંદોબસ્તમાં ડેડીયાપાડા ખાતે આવ્યા હતા. તેમનું હાલનું નિવાસ સાગબારા રોડ પર આવેલા જલારામ મંદીરની સામેના ફોરેસ્ટ નર્સરીના કંપાઉંડમાં રહેતા હતા. આજ રોજ શુકિરવારે તેઓ પોતાની મોટરસાઇકલ લઇ કોઇ કામ અર્થે બજારમાં ગયા હતા. જ્યાંથી બંદોબસ્ત સ્થળે પરત ફરતા હતા તે વખતે ડેડીયાપાડા ચાર રસ્તા ખાતે સ્ટેટ હાઇવે પર ટ્ર્ક નં. ટી.એન.-52 ,બી-6014ના ચાલકે પોતાની ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એસ.આર.પી. જવાન મિથુનભાઇ ઝીણાભાઇ વસાવાની મોટરસાઇકલ નં. જીજે.22- એફ.1962ને અડફેટમાં લીધા હતા. અકસ્માતમાં રોડ ઉપર પટકાતાં ટ્રકની ખાલી સાઇડના ભાગે પાછળનું વ્હીલ યુવાનના શરીર ઉપર ચડાવી દેતા કમરના ભાગેથી તેમના શરીરનાં બે ભાગ થઇ જતાં તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. ચાર રસ્તા ઉપરઅકસ્માત સર્જાતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવાનનો મૃતદેહ વિચલિત કરી તે તેવી પરિસ્થિતિમાં પડેલો હોય લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા. મૃતદેહને પીએમ અર્થે મોકલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.
રસ્તાઓ ઉપર બમ્પ બનાવવા લોકોના માંગ
ડેડિયાપાડા ચાર રસ્તા હાઇવે પર પ્રાથમિક શાળા આવેલ હોઇ નાના બળકોને હાઇવે ક્રોસ કરવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. લોકોની વારંવાર રજુઆત કરવા છ્તા બમ્પ મુકવામાં આવતા નથી જેથી કરીને હાઇવે પર વારંવાર અકસ્માતો થાય છે. જેના પગલે નિર્દોષ માણસોનો ભોગ લેવાય છે. તાત્કાલીક અસરથી ડેડીયાપાડા ચીકદા રોડથી ચાર રસ્તા ધામણ ખાડી સુધીમાં બમ્પ મુકવા માટે તંત્ર કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી છે.