ગુજરાતમાં હવે દલિતોનો ગુસ્સો ફાટ્યો, ગોંડલ હાઈવે ચક્કાજામ, બસો સળગાવી


રાજકોટ: ઉનામાં દલિત યુવાનો પર થયેલા અત્યાચારની ઘટનામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સોમવારે રાત્રે દલીતોના ટોળાંએ પારડી અને શાપર વચ્ચે કિશાન ગેટ પાસે ચક્કાજામ કરતાં ભારે તંગદીલી ફેલાઇ હતી. ત્રણ-ત્રણ કલાક સુધી ટોળાંએ હાઇ-વે પર અડીંગો જમાવતાં ગોંડલ તરફથી રાજકોટ આવતાં અને રાજકોટ તરફથી ગોંડલ તરફ જતાં રસ્તા પર બન્ને બાજુ ચાર-ચાર કિલોમીટરની વાહનોની કતાર લાગી હતી. ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા અંતરીપ સુદ ઉપરાંત અન્ય ઉચ્ચ પોલીસ અિધકારીઓ અને જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ટોળાંએ સમજાવી ટ્રાફિક ક્લિયર કરાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ રોષે ભરાયેલા ટોળાંએ પોલીસની એક વાત માની ન હોતી. અંતે ત્રણ કલાક બાદ એટલે કે છેક રાત્રે 12 વાગ્યે પોલીસે સમજાવી અને ટોળાંને વિખેર્યું હતું, અને ટ્રાફિક ક્લિયર થયો હતો.

ટોળાંએ વાહનો અટકાવવાનું શરૂ કરતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો

રાત્રે 8:30 વાગ્યના અરસામાં અચાનક જ પારડી અને શાપર વચ્ચે કિશાન ગેટ નજીક દલીતોના ટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ટોળાંએ વાહનો અટકાવવાનું શરૂ કરતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. થોડીવારમાં જ રસ્તાની બન્ને તરફ વાહનોની કતારો લાગવા લાગી હતી. બીજી તરફ દલીત યુવાનોએ જય ભીમના નારા સાથે અટવાયેલા વાહનો પર કેટલાક યુવાનો હાથ પછાડવા લાગતાં ભારે ભયનો માહોલ છવાયો હતો. બનાવને પગલે પહેલા એક પોલીસવાન ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ટોળાંનુ રોદ્ર સ્વરૂપ જોયા બાદ એ વાહન રવાના થઇ ગઇ હતી. બાદમાં જિલ્લા પોલીસવડા સુદની આગેવાની હેઠળ જંગી કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ટોળાંને ચારે બાજુથી ઘેરી લીધું હતું. પરંતુ બળ પ્રયોગ કોઇપણ સંજોગોમાં ન જ કરવો તેવી રણનીતીને કારણે ટોળાંને વિખેરવાનું શક્ય નહોતું બન્યું. છેક મધરાત સુધી ચક્કાજામ રહ્યો હતો અને પરિણામે હજારો વાહન ચાલકો પરેશાન થયા હતા.

પોલીસે અભુતપૂર્વ સંયમ દાખવ્યો

ટ્રાફિક ક્લિયર કરાવવા માટે પોલીસે અનેક વખત દલીત યુવાનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ખુદ જિલ્લા પોલીસવડા અંતરીપ સુદે અનેક વખત ટોળાં વચ્ચે જઇ અને સમજાવટ કરી હતી. પરંતુ તેમાં સફળતાં મળી ન હોતી. દલીત યુવાનોએ ઇલેકટ્રોનીક મીડિયાના પ્રતિનિધિઓ આવી અને તેમની વાત સાંભળે અને એ સમાચાર ટીવી પર પ્રસારીત થાય તે પછી જ ટ્રાફિક ક્લિયર કરવા દેવાનો આગ્રહ રાખ્યો હતો. ચક્કાજામ કરનાર યુવાનોએ પોલીસ તેમજ મીડિયાના પ્રતિનિધિઓ સાથે જ ઉગ્ર અને ક્યારેક અભદ્ર જીભાજોડી કરી હતી. અનેક વખત વાતાવરણ તંગ બન્યું હતું. જોકે દલીતો ઉપર ઉનામાં થયેલા અત્યાચારની ગુંજ છેક રાજ્યસભામાં ગાજ્યા બાદ અને ગોંડલ તથા જામકંડોરણામાં દલીત યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યા બાદ રાજ્ય સરકાર રક્ષણાત્મક સ્થિતિમાં મુકાઇ ગઇ હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.