Updates

6/recent/ticker-posts

Header Ads Widget

કેનેડામાં પૂ. મોરારીબાપુના વરદ હસ્તે હનુમાનજીની વિરાટ મૂર્તિનું ચનાવરણ

ટોરોન્ટો (કેનેડા) : શનિવારે રામ કથાના આરંભ પૂર્વે સવારે રીચમન્ડ સ્ટ્રીટમાં આવેલા ભવ્ય અને પ્રતિષ્ઠિત વિષ્ણુ મંદિરના પરિસરમાં હનુમાનજીની 50 ફૂટની પ્રતિમાનું પૂ. મોરારિબાપુએ અનાવરણ કર્યું.


       સાડા ત્રણ દાયકાથી જ્યાં ધાર્મિક પ્રવૃત્તિઓ, પૂજા-અર્ચના અવિરત ચાલુ છે એવા વિષ્ણુ મંદિરના વિશાળ પરિસરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા મૂકવામાં આવી છે.
      
      પૂ. મોરારિબાપુએ હનુમાનજીના ચરણોમાં વંદન કરી, હાઇડ્રોલિક લિફ્ટમાં 50 ફૂટ ઊંચે સુધી જઈ હનુમાનજીને વંદન કરી અભિષેક કર્યો હતો. હનુમાન ચાલીસા, શ્રીરામ-જયરામના ઉદ્દઘોષથી મંદિરનું આખું પરિસર પાવન થઈ ગયું હતું.
      પૂ. બાપુએ એમના વક્તવ્યમાં જણાવ્યું કે, હનુમાનજીની પ્રતિમામાં ત્રણ બાબત મહત્વની છે, એમના ચરણોમાં વંદન કરીએ કારણકે એ પોતે પણ રામને સમર્પિત છે. બીજું એમના હૃદયને વંદન કરીએ, એમાં રામ બિરાજમાન છે અને ત્રીજું, એમનું મુખારવિંદ – એમની જીભ ઉપર પણ રામ મંત્ર છે અને મુખમાં પ્રભુની મુદ્રિકા છે. હનુમાનજીને આ રીતે ભજીએ તો આપણો આંતરિક વિકાસ અને વિશ્રામ બન્ને શક્ય બને.
      વિષ્ણુ મંદિરના સ્વ્પ્નદ્રષ્ટા અને સમાહર્તા ડો. બુધેન્દ્ર દુબેએ આ અવસરને અતિ પાવન  ગણાવ્યો હતો.
      રીચમન્ડ સ્ટ્રીટના મેયર દેવ બોરો ખાસ ઉપસ્થિત હતા. તેમજ કેનેડા ખાતેના ભારતીય કોન્સ્યુલેટ જનરલ દિનેશ ભાટિયાએ પણ હાજરી આપી હતી.
      શ્રી ચન્દ્રકાન્ત લોઢિયા અને શ્રી ભુલેશ લોઢીયાના પરિવારે હનુમાનજીની આ પ્રતિમાં વિષ્ણુ મંદિરને અર્પણ કરી છે. પ્રતિમાનું નિર્માણ નરેશકુમાર કુમાવતે કર્યું છે. પૂ. મોરારિબાપુ સાથે પાવનભાઈ પોપટ, રમેશભાઈ સચદે, વગેરે પણ જોડાયા હતા.
      આ પૂર્વે પૂ. મોરારિબાપુ વિષ્ણુ મંદિરના પરિસરમાં આગળ જ મૂકાયેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને પ્રતિમાની પ્રદક્ષિણા કરી હતી. ભારતીય રાષ્ટ્રધવજને સલામી પણ અપાઈ અને રાષ્ટ્રગીતનું ગાન થયું હતું. તો બાજુમાં જ આવેલા સ્મારક પાસે પણ પુષ્પો અર્પણ કરી કેનેડાના રાષ્ટ્રગાન વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી.  (ચિત્રલેખાના સૌજન્યથી)