Updates

6/recent/ticker-posts

Header Ads Widget

ખુદા મહેરબાન તો… – વિનોદ ભટ્ટ

‘કોંગ્રેચ્યુલેશન્સ, ગીધુ અંકલ !’ એક સ્ત્રીઅવાજે ગીધુકાકાને કાનમાં ટહુકો કર્યો. ‘શેને માટેના અભિનંદન આપે છે, બહેન ?’ કાકાએ ઉત્સાહથી પૂછ્યું. જેના જવાબમાં તે બોલી, ‘તમે રૂપિયા ત્રીસ લાખ જીતો છો.’ ‘બહેન, મને કાનનું જરાક કાચું છે, ફરી વાર જરાક ઊંચા અવાજે બોલશો ?’ કાકાએ પોતાનો આનંદ બેવડાવવા બીજી વાર પૂછ્યું. ‘તમને મુરબ્બી, ત્રીસ લાખનું ઈનામ મળે છે, લોટરી લાગી છે.’ એ મહિલાએ જણાવ્યું. ‘ના હોય, મને ? મને લોટરી લાગી ?’ પ્રશ્ન.
‘હા, કાકા, તમને જ… તમારું નામ જ ગિરધલાલ જે. ભટ્ટ છે ને તમે ધર્મયુગ કોલોની, કાંકરિયા રહો છો ને ?’ આટલું સાંભળતાં કાકાના કાનના પડદા પર ગલીપચી થઈ. તે બોલ્યા : ‘નામ-ઠામ બિલકુલ સાચું છે.’
‘બસ, તો તમને ઓસ્ટ્રેલિયન ઈન્ટરનેશનલ લોટરી એજન્સી તરફથી ત્રીસ લાખ રૂપિયાનું પ્રાઈઝ મળે છે. પણ ઉત્સાહમાં આવી જઈને આપ સમાચારનો બહુ પ્રચાર ન કરશો, કોઈ મીડિયા-ફીડિયાવાળાને ઈન્ટરવ્યૂ ન આપી દેશો, પાછા.’ એ સ્ત્રીએ સૂચના આપી. ‘કેમ, કેમ ?’ કાકાએ કારણ જાણવા માંગ્યું.
‘કારણ એ જ કે પછી ગુંડાઓ તમારી પાછળ પડી જશે. આ ઈનામ તમને સાવ ફોગટમાં પડ્યું એ જાણીને માફિયાગેંગ એમાંથી ભાગ પડાવવા ધસી આવશે, તમારી શાંતિ હણી નાખશે. ઓ.કે. ? ફોન મૂકું છું.’
‘એક મિનિટ, ફોન મૂકતાં પહેલાં મને એ કહો કે આ રૂપિયા મને ક્યારે મળશે ?’ આનંદનો ડૂમો દબાવતાં કાકાએ પૂછ્યું.

‘વહેલી તકે.’ એ બહેને ઉત્તર આપ્યો : ‘આજકાલમાં તમને એક બંધ કવર મળશે, એ કવર ખોલશો એ ક્ષણે તમારું નસીબ ઊઘડી ગયું હશે.’
– અને બીજે દિવસે કાકાને ટપાલમાં એક કવર મળ્યું, જે લઈને સીધા તે મારે ત્યાં આવ્યા. બોલ્યા : ‘વિનિયા, ગઈકાલે મારા પર એક છોડીનો ફોન આવેલો કે મને ત્રીસ લાખની લોટરી લાગી છે, પણ આ વાત કોઈનેય કહેવાની ના પાડેલી એટલે તને પણ ના કહ્યું, પણ સાલી આખી રાત ઊંઘ ન આવી. સવારે ટપાલમાં કવર આવ્યું એટલે તારી પાસે દોડી આવ્યો.’ મેં તમને પૂછ્યું : ‘તમે કાકા, લોટરીની કોઈ ટિકિટ ફિકિટ ખરીદેલી ?’
‘ના રે ભૈ, તું તો જાણે છે કે આપણું નસીબ બકરી જેવું છે; બકરી લીંડિયું પાડે, ક્યારેય પોદળા ન મૂકે. એ છોડી એવું કહેતી હતી કે તમને મળે એ કવર ખોલજો. તમારું નસીબ ખૂલી જશે. જો તો ખરો, આ પરબીડિયામાં ત્રીસ લાખનો ચેક તો નથી ને !’ આશાભર્યા અવાજે તે બોલ્યા.
હજી તો હું કાકાનો એ કાગળ વાંચું ત્યારે પહેલાં તો ટપાલી મારા નામનું ‘યુરોપિયન લોટરી ગિલ્ડ’નું એક કવર નાખી ગયો. કાકાના કવરને બાજુમાં મૂકી પહેલાં મેં મારો પત્ર ફાડ્યો. મારા પરના કાગળમાં લખ્યું હતું કે, ‘પ્રિય વિનોદભાઈ, અમને એ વાતની ખુશી છે કે ગયે મહિને તમારું નામ અમે બ્રિટિશ લોટો ૬-૪૯ ગ્રૂપમાં સામેલ કર્યું હતું. એમાં લકી નંબર લેખે તમારું નામ ખૂલ્યું છે. તમે ખુબ જ ભાગ્યશાળી છો. તમારા શહેર અમદાવાદના હાઈવે પર આવેલી રાજપથ ક્લબની નજીક રૂપિયા સિત્તેર લાખનો એક લકઝુરિયસ બંગલો તમે જીત્યા છે, હાર્ટિયેસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ.’ આટલું વાંચતાં-વાંચતાં તો મારા હૃદયના ધબકારા વધી ગયા. ૨૦૦૩માં એન્જિયોપ્લાસ્ટી વખતે જે સ્ટેન્ટ મુકાવેલું એ જગ્યાએ થોડું દુખવા પણ માંડ્યું. સહેજ ભય પણ લાગ્યો કે હરખનું માર્યું એ સ્ટેન્ટ હૃદયમાંથી સરકી તો નહીં જાય ને ! અલબત્ત સ્ટેન્ટ ફિટ કરનાર સર્જને મારા આવા જ સવાલના જવાબમાં ખાતરી આપી હતી કે એને માટે તો પોસ્ટમોર્ટમ કરવું પડે. તમારે સ્ટેન્ટ ન જોઈતું હોય તો કહેજો, કાઢી આપીશું. (બાય ધ વે, આ સ્ટેન્ટ મને એક લાખ સાડત્રીસ હજાર, ત્રણસો વીસમાં પડેલું, મુકાવવાનો ખર્ચ અલગ). આ બધાનું કારણ એ જ કે મારું નસીબ પણ ગીધુકાકા જેવું છે. હું નાનો હતો ત્યારે ઘણા જ્યોતિષીઓએ તેમ જ એક-બે બાવાઓએ પણ કહ્યું હતું કે બચ્ચા, જોજે, તારા નસીબ આડેનું પાંદડું એક દિવસ ખસી જશે. પણ મને એકલાને જ ખબર છે કે મારા નસીબની આડે એકાદ-બે પાંદડાં હોય તો હજીય ખસે, પરંતુ મારા નસીબની આડે તો આખેઆખું ઝાડ છે. ઝાડ, ને તેય પાછું વડનું. નસીબ આડેનો એ ઘેઘૂર વડલો ખસે તો શું, ટસથી મસ થતો નથી. આજદિન સુધી હું એક પણ ઈનામ પામ્યો નથી. ઈનામમાં મેં પેન્સિલનો એક ટુકડો સુદ્ધાં જોયો નથી. અરે, છાપાંઓની કૂપનો કાપીને મહિનાઓ સુધી ચોંટાડવા છતાં ગેરેન્ટેડ સિવાયની કોઈ ગિફ્ટ મળી નથી. એટલે સિત્તેર લાખનો બંગલો ઈનામમાં લાગ્યાના સમાચાર વાંચતી વખતે પેલી સદીઓ જૂની કહેવત અનાયાસ યાદ આવી ગઈ : ‘ખુદા મહેરબાન તો ગધા પહેલવાન !’
સાથે મનમાં ડર પણ લાગવા માંડ્યો કે હાઈ-વે પર આવેલા બંગલા લૂંટારાઓની આંખમાં કણાની માફક ખૂંચતા હોય છે; એટલે, ક્યારેક કોઈ ચડ્ડી-બનિયનધારી ટોળકી મારા બંગલા પર ત્રાટકે તો મને ધોકાટી, લૂંટીને તેમના જેવા ચડ્ડી બાંડિયાભેર કરી નાખે તો ! પછી વિચાર્યું કે એવું જણાશે તો એ બંગલો ફટકારી મારીશું, પાંચ-સાત લાખ આમ કે તેમ, બંગલો તો આપણને મફતમાં જ પડ્યો છે ને !
અલબત્ત, એ કાગળમાં આગળ જણાવ્યું હતું કે તમને જો બંગલામાં રસ પડતો ન હોય ને એટલી રકમનો ચેક જોઈતો હોય તો એ વિકલ્પ પણ અમને સ્વીકાર્ય છે. એ માટે આ સાથે મોકલેલ ફોર્મમાં તમારી બેંકનું નામ, સરનામું તેમ જ તમારો ખાતા નંબર અમને મોકલી આપશો. આ ઉપરાંત તમારે તમારા ક્રેડિટ કાર્ડના પાસવર્ડના આંકડા પણ સામેલ કરવાના રહેશે. વધુમાં વધુ દસ દિવસમાં તમે ફોર્મ રવાના કરશો.
હું આબરૂદાર માણસ છું એવું કમ સે કમ મને એકલાને તો લાગે જ એ માટે હું ક્રેડિટ-કાર્ડ, ખરાબ ગુજરતીમાં કહેવું હોય તો શાખ-પત્ર ધરાવું છું. પણ એની ખબર યુરોપમાં બેઠેલ કંપનીને કેવી રીતે પડી ગઈ એ વાતનું મને અચરજ થયું.
માણસ કેવો સ્વાર્થી છે ! હું મારી અંગત વાત કરું છું. મારા ગીધુકાકાના ત્રીસ લાખના ઈનામને હાંસિયામાં ધકેલી મારા ઈનામના કાગળ સાથે મારા મિત્ર પાસે પહોંચી ગયો. કાગળ વાંચીને લાક્ષણિક સ્મિત કરતાં મિત્રે મને જણાવ્યું : ‘તું તો યાર સાવ ગુજરાત યુનિવર્સિટીનો જ ગ્રેજ્યુએટ છે, આટલું અંગ્રેજીયે તને નથી આવડતું ! અહીં તો લૂગડાં ઉતારી લેવાની વાત છે. એ શા માટે તારો ક્રેડિટ-કાર્ડ નંબર માંગે છે ? પૈસા ચૂકવવામાં એને તારા ક્રેડિટ કાર્ડની શી જરૂર પડે ? ફોર્મમાં ઝીણા અક્ષરે લખ્યું છે કે તમને રૂપિયા સિત્તેર લાખ જીતવાની સોનેરી તક છે, એટલે આ ફોર્મ સાથે તારે રૂપિયા બે હજાર નવસો ભરવાના છે અને એ ભર્યા પછીય નંબર લાગે જ એવું નથી. ટૂંકમાં, આ બધાંમાં આપણાથી ન પડાય, વિનોદ ! તને હું મારી જ વાત કરું તો મારા પર કોઈ કંપનીમાંથી એક બહેનનો ફોન આવ્યો કે તમારું નામ અને સરમાનું અમને ટેલિફોન કંપનીમાંથી મળ્યું છે, જે ગ્રાહક ટેલિફોન બિલ નિયમિતપણે ભરે છે એમના નામને યાદીમાંથી ડ્રો દ્વારા એક જ નામ ચૂંટી કાઢવાનું હતું. જેમાં તમારું નામ નીકળ્યું છે. તમે ખૂબ જ ‘લકી’ છો. તમને ઈન્ડિકા કાર ઈનામમાં મળે છે. મેં તરત જ એ છોકરીને અટકાવીને કહી દીધું કે બહેન, છેલ્લા ત્રણ મહિનાનું બિલ નહીં ભરી શકવાને લીધે મારો ફોન કપાઈ ગયો હતો તે છેક ગઈ કાલે જ માંડ શરૂ થયો છે. આટલું સાંભળીને તેણે તરત જ ફોન કાપી નાખ્યો. પરોપકારી છોકરીઓ જ આ પ્રકારના ફોન કરતી હોય છે. બીજી એક છોકરીએ મને ફોન પર માહિતી આપી કે તમારા વિસ્તારમાં અમે કરેલ ‘સરવે’માં તમામ કપલ્સમાં તમારું કપલ બેસ્ટ જણાયું છે. મણિનગરનાં શ્રેષ્ઠ દંપતી તરીકે અમે તમને સન્માનવા માગીએ છીએ. તમને અમે એક નવી-નક્કોર મોટર સાઈકલ ભેટ ધરીશું. તેને મેં ધીમા અવજે કહ્યું કે બહેન, તમને કદાચ એ વિગતની જાણ નથી કે મારી વાઈફ મને છોડીને છેલ્લા છએક મહિનાથી એની માના ઘરે જતી રહી છે, અમારે ડિવોર્સનો કેસ પણ મંડાઈ ચૂક્યો છે; હવે તમે જ કહો કે શ્રેષ્ઠ દંપતીનો એવોર્ડ હું એકલો આવીને કેવી રીતે લઈ શકું? તેણે ગુસ્સાથી ‘ઈડિયટ’ એવું બબડીને ફોનનું રિસિવર પટક્યું. મારા વિશેની આ ખાનગી માહિતી તેને કોણે આપી હશે? જવા દો એ વાત, પણ મારા મતે તો જે ગામમાં કોઈ મફતમાં તાળી પણ નથી આપતું, છાલ ફેંકી દેવી પડે છે એ કારણે લોકો કેળા નથી ખાતાં, અરે ખુદ આપનો સગો કાકો કે મામોય ઝટ ગજવામાં હાથ ઘાલતો નથે, ત્યાં કોઈ સાવ અજાણ્યો માણસ આપણને એમ જ કશું આપી દે, આપણા પર વરસી જાય એ વાતમાં માલ નહીં; બાકી લોકશાહીમાં છેતરવાનો દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે !’