વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં આવેલી નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષિકાએ 3 વર્ષના વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો રોષે ભરાયેલા વિદ્યાર્થીના પિતાએ સ્કૂલમાં જઇને શિક્ષિકાને લાફો દીધો હતો. જેથી બંને પક્ષે સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વિદ્યાર્થીને કાનમાં ઇજા, તાવ પણ આવી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નિઝામપુરામાં આવેલા ગણેશ ચોકમાં રહેતા રિતેશભાઇ રાજપુતનો 3 વર્ષનો પુત્ર રાજવીર સમા વિસ્તારમાં આવેલી નવયુગ ઇગ્લિંશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગુરુવારે સવારે રાજવીર સ્કૂલે ગયો હતો. ત્યારે ક્લાસ ટીચર રશ્મિકાબેન ગોહિલ રાજવીરને 1થી 10 સુધી અંક બોલવા માટે કહ્યુ હતુ. પરંતુ રાજવીર ન બોલી શકતા શિક્ષિકાએ તેને માર માર્યો હતો. જેથી વિદ્યાર્થીના ડાબા ગાલે ઇજાના નિશાન પડી ગયા હતા. ત્યારબાદ શિક્ષિકાએ વિદ્યાર્થીને બાજુમાં બેસાડી દીધો હતો. સ્કૂલનો સમય પૂરો થતા વિદ્યાર્થી ઘરે જતો રહ્યો હતો અને ઘરે જઇને રાજવીરે મેડમે માર્યો હોવાનું જણાવ્યુ હતુ. પડોશમાં રહેતા એક વિદ્યાર્થીએ પણ રાજવીરને મેડમે માર્યો હોવાની વાત કરી હતી. ત્યારબાદ આજે સવારે વિદ્યાર્થીના વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા. શાળામાં જઇને હોબાળો મચાવી દીધો હતો. રોષે ભરાયેલા વિદ્યાર્થીના પિતાએ શિક્ષિકાને લાફો ઝીંકી દીધી હતો. જેથી આ સમગ્ર મામલો સમા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બંને પક્ષોએ સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.