Updates

6/recent/ticker-posts

Header Ads Widget

અ'વાદ: રથયાત્રામાં ભક્તોને હજારો કિલોની પ્રસાદી અપાશે, બે હજાર સંતો જોડાશે

અમદાવાદ: 6, જૂલાઇ બુધવારના રોજ ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે તડામાર તૈયારીઓની સાથે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. રથયાત્રાના આગલા દિવસે સાંજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિશિષ્ટ પૂજા આરતી કરશે. જ્યારે રથયાત્રાના દિવસે સવારે 4 વાગ્યે મંગળાઆરતી થશે. જ્યારે સવારે 7 વાગ્યે આનંદીબેન પટેલ પહિન્દ વિધિ કરાવી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. 
- રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 18 ભજનમંડળી, 3 બેન્ડબાજા, 101 સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રક રહેશે.
- દેશભરમાંથી બે હજાર જેટલા સાધુ સંતો રથયાત્રામાં ભાગ લેશે.
- સાધુ સંતો સહિત 1200 જેટલા ખલાસીઓ રથ ખેંચશે. 
- યાત્રા દરમિયાન 25000 કિલો મગ, 600 કિલો જાંબુ, 300 કિલો કેરી, 300 કિલો કાકડી અને બદામ તથા બે લાખ ઉપરણાં પ્રસાદી આપવામાં આવશે.
- સોમવારે સવારે ભગવાન જગન્નાથજી, મોટાભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળથી પરત ફરશે.
- ભગવાનના ગર્ભગૃહમાં પ્રવેશ, વિશિષ્ટ પૂજા વિધિ અને નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે.
- મેયર ગૌતમ શાહ દ્વારા મંદિરના ધ્વજારોહણની વિધિ કરાશે.
- રથયાત્રા માટે દોઢ કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે.
37 વર્ષ બાદ ભગવાનના મોસાળાનું સ્વપ્ન પૂરું થયું
 

ભગવાન જગદીશના મોસાળ સરસપુરમાં શુક્રવારે સાંજે વાઘા-શણગારના મોસાળાનાં દર્શન કરવા હજારો સરસપુરવાસી ઊમટી પડ્યા હતા. રણછોડરાયજી મંદિર તરફથી મોસાળાની સામગ્રી ભગવાનને ધરવામાં આવી હતી. મોસાળિયા સહિતના ભાવિક ભક્તોએ મોસાળાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હજારોની સંખ્યામાં ભાવિકોએ મોડી સાંજ સુધી સરસપુર ખાતે મોસાળાનાં દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ ભજન સંધ્યા સહિતના ધાર્મિક આયોજનો પણ આગામી દિવસોમાં ગોઠવવામાં આવેલા છે. સોમવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નીજમંદિરે પરત ફરશે.
 
ભગવાન જગન્નાથને મોસાળું કરવા દર વર્ષે ડ્રો કરીને ભાવિકોને લાભ અપાય છે. વર્ષ 2017માં આગામી વર્ષો માટેના મોસાળાનો ડ્રો કરાશે. આ વર્ષના યજમાન દિનેશભાઈ રામભાઈ પટેલે જણાવ્યું હતું કે, 80ની સાલમાં મારી કાલુપુર કપાસિયા બજારમાં દુકાન હતી ત્યારથી ભગવાનનું મોસાળું કરવાની ઇચ્છા હતી. જે 37 વર્ષ બાદ પૂરી થઈ છે. મારું નામ વર્ષ 2013ના ડ્રોમાં ખૂલ્યું હતું. આ વખતે અવસર આવ્યો ત્યારે અમારી ખુશીનો આનંદ નથી રહ્યો.