દેશના ૮૯ ટકા વિસ્તારમાં સામાન્ય કે તેથી વધુ વરસાદ પડી ગયોઃ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ સહિતના રાજયોમાં ભારે વરસાદઃ મધ્યપ્રદેશમાં રર અને ઉત્તરાખંડમાં ૩૦ના મોત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માત્ર ૪ર ટકા જ વરસાદઃ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ-સિક્કીમ હજુ કોરાઃ ૨૪ કલાકમાં વરસાદની આગાહી
નવી દિલ્હી તા.૧૧ : દેશના અનેક ભાગોમાં થઇ રહેલા ભારે વરસાદ લોકો માટે મુસીબતનું કારણ બન્યો છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ છે તો છેલ્લા કેટલાક દિવસોથી સિક્કીમ, હિમાચલપ્રદેશમાં અટકી-અટકીને વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશમાં ઇન્દ્રદેવ કોપાયમાન થતા સમગ્ર રાજયમાં પુરની સ્થિતિ થઇ ગઇ છે. ભોપાલમાં લોકોના હાલ-બેહાલ થઇ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે તો બીજી તરફ મહારાષ્ટ્રમાં ચોમાસુ પુરબહારમાં ખીલ્યુ છે. કોંકણમાં મુશળધાર વરસાદથી અનેક નદીઓ ગાંડીતુર બની છે. અનેક ગામોનો સંપર્ક તુટી ગયો છે. નાસિકમાં ભારે વરસાદ પડયો હોવાનું જાણવા મળે છે. નાસિક જિલ્લામાં માત્ર ૯ કલાકમાં આશરે ૩૯ ઇંચ વરસાદ નોંધાયો છે.
નાસિક જિલ્લામાં શનિવારથી ભારે વરસાદને કારણે ગોદાવરી નદીમાં પુર આવ્યુ છે અને ઠેર-ઠેર તેના પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને કારણે ઐતિહાસિક રામોકુંડ ઓવરફલો થઇ ગયો છે. નાસિક જીલ્લામાં માત્ર ૯ કલાકમાં (સવારે ૮ થી પ સુધીમાં) ૯૯૧ મી.મી. (૩૯ ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઇગતપુરીમાં ૧૭૧ મી.મી., સુરગામા ૧૧ર મી.મી., ત્રયંબકેશ્વર ૧૬૦ મી.મી. વરસાદ વરસ્યો હતો. ર૪ કલાકથી ભારે વરસાદ પડતા ૧૦ વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. નાસિકમાં ૧૦ વર્ષ પહેલા ૧૦૦ મી.મી. વરસાદ નોંધાયો હતો.
દેશના ૮૯ ટકા વિસ્તારમાં સામાન્ય કે તેથી વધુ વરસાદ પડી ચુકયો છે. ૧૧ રાજયોમાં આવતા ર૪ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરીયાણા, પશ્ચિમ ઉતરપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, ઉત્તરાખંડ અને ઓડિશામાં વરસાદ પડી શકે છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યની સરખામણીમાં ૪ર ટકા જ વરસાદ નોંધાયો છે. દેશમાં ૧લી જુનથી ૧૦ જુલાઇ વચ્ચે રપ૪ મી.મી. વરસાદ નોંધાયો છે. જે સામાન્ય વરસાદના આંકડા રપ૧.૮ મી.મી.થી એક ટકા વધુ છે. વિદર્ભમાં ૪૩ ટકા અને મરાઠવાડામાં ૧૩ ટકા વરસાદ વધુ પડયો છે. મધ્યપ્રદેશમાં ૭૮ ટકા વરસાદ પડી ગયો છે.
અત્યાર સુધી ચાર સબડીવીઝન એવા છે કે જયાં ઓછો વરસાદ નોંધાયો છે તેમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ અને સિક્કીમને બાદ કરતા ઉત્તર પુર્વમાં ઓછો વરસાદ પડયો છે.
દરમિયાન મધ્યપ્રદેશમાં વરસાદથી રર લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી અનેક નદીઓ બેકાંઠે વહી રહી છે. ઉત્તરાખંડમાં ભેખડો ધસી પડવા અને પુરનો ખતરો હજુ ઉભો છે. હિમાચલમાં મંગળવાર સુધીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.