Updates

6/recent/ticker-posts

Header Ads Widget

મમ્મીને પત્ર – રૂતુ રાવલ

મમ્મીને પત્ર – રૂતુ રાવલ


મમ્મી…
આ રીતે તારું ખામોશ રહેવું હવે અસહ્ય બની રહ્યું છે. હોસ્પિટલના આઈ.સી.યુ.ના શાંત, બોઝિલ વાતાવરણ, કાર્ડિયોગ્રામનાં સરકતાં રહેતાં તરંગો, રંગબેરંગી બદલાતા, ઝબકતા રહેતા મોનિટરિંગ પરના આંકડાઓ, લોહીની બોટલનું સરકતું રુધિર, વેન્ટિલેટરમાં પૂરાયેલો ઑક્સિજન, ઈન્જેકશનોની સિરિન્જો… બહુ થયું હવે. એક મહિનો થવા આવ્યો. હવે તું ઊઠે એની રાહ જુએ છે બધા.
યાદ છે ? તું પ્રવૃત્ત રહેતી… ક્યારેક બિમાર પડતી, હું તને આરામ કરવાનું કહેતી, ‘તું સૂઈ રહે હું કામ કરી લઈશ…’ અને છતાંય તું પથારીમાંથી ઊભી થઈ જતી. આજે હું તને ઊભા થવાનું કહું છું, કહી કહીને થાકી ગઈ છું તોય કેમ ઊભી નથી થતી ? તને પડી રહેવું ક્યાં ગમે છે ? છતાંય… ? મમ્મી ઊઠ… ઘેર ચાલ. નળમાં પાણી રોજ સવારે સમયસર આવે છે, કૂકરની સીટી, કપડાં ધોવાનો અવાજ, તારી પાથારીની સળો, આંગણે રોજ પાંદડાં લઈ આવતો પવન, દૂધ લાવતા, પેપર લાવતા, પત્ર લાવતા બધા જ રોજ તેના સમયે આવે છે અને બધું ખોરંભે પડી ગયાનો વસવસો લઈને જાય છે.
મમ્મી, આરતી મૌન છે. ઘરના મંદિરની મૂર્તિ તારા સ્પર્શને ઝંખે છે. તુલસી ક્યારે દીવો તારા હાથે પ્રકાશવા ચાહે છે. જો, જો… વરસાદ વરસી રહ્યો છે. દોરી પર સૂકાવેલાં કપડાં ભીંજાઈ રહ્યાં છે. દૂધ ઊભરાઈ રહ્યું છે. બારણે રોજ આવતી ગાય, માનીતો કૂતરો, માંજરી બિલાડી, પક્ષીઓ અને રોજ આવતો ભિક્ષુક – બધાં હજુએ રોજ આવે છે. પણ મમ્મી, ગાય અને કૂતરો ખાતા નથી, બિલાડી દૂધ પીતી નથી. ભિક્ષુક ભિક્ષા ગ્રહણ કરતો નથી અને ચકલા ચણ નથી ચણતાં. એ બધા માટેય હવે તું ઘરે આવ. પૂર્વની બારીથી પ્રવેશતા સૂરજને તું રોજ પ્રણામ કરે છે ને ? એ સૂરજ પૂછે છે, મમ્મી ક્યાં ? પશ્ચિમની બારીએથી ડોકાતી મધુમાલતી પણ રોજ પૂછે છે કે, મમ્મી ક્યાં ? એ બધાંને હું કહી દઉં કે તું ઘોરે છે ?
મમ્મી, કેટલી સવાર-સાંજ-રાત આમ જ તેં પસાર કરી નાખી છે. હવે જો તને ગમતો શ્રાવણ માસ આવી ગયો છે. મંદિરના ઘંટારવ વાચાળ બન્યા છે. ભગવાન શિવને તારે બિલ્વપત્રથી અભિષેક નથી કરવો ? પૂજાપો તૈયાર છે. ભગવદગીતા નથી વાંચવી તારે ? મમ્મી, ઊઠને… બધાને તારો ઈન્તેજાર છે. પછી હું પણ જીદ કરીશ અને આ હૉસ્પિટલ છોડી દઈશ. પછી તું ઊઠીશ ત્યારે હું પણ નહીં બોલું. મમ્મી, હું તને નહીં ગમતી પ્રવૃત્તિ કરું છું, મોડી ઊઠું છું, રસોઈમાં મીઠું વધારે નાખું છું, દોડતી દોડતી ટ્રેન પકડું છું, બહાર જમું છું, મોડે સુધી ટીવી જોઉં છું, સુશાંત સાથે ઝઘડું છું….. તો તું ટોકને મને, રોક મને. જો મામા હેરાન કરે છે, દીપેન મારે છે, મોન્ટુ ભણતો નથી, બન્ટી મારી સાથે બોલતો નથી, શ્રાવણ મહિનો હોવા છતાં જયશ્રી જપ કરતી નથી, ફૂલવા પૂજાનાં ફૂલ તૈયાર નથી કરતી, પ્રજ્ઞા પ્રભુને પ્રાર્થના નથી કરતી, કોકિલા ખામોશ છે અને મામા… આ બધું જ ફરી શક્ય છે. મમ્મી, તું બસ ઊઠ, ઊભી થા.
મમ્મી, મારે તારા હાથની બનાવેલી લાપસી ખાવી છે. સાસરેથી આવું ત્યારે તું પૂછતી હોય છે ‘સારું છે ને ?’ એ મારે ફરી ફરી સાંભળવું છે. હું ફોન કરવામાં મોડું કરું ત્યારે પેરેલિસિસના અસરથી ધ્રૂજતી આંગળીઓ તું સડસડાટ ફેરવીને મારો મોબાઈલ જોડી દેતી. શું હવે મને મોબાઈલ નહીં કરે ? હું સમયસર ફોન કરું છું, જો રિંગ પણ વાગે છે. તું નહીં ઉપાડે ? તારે મારો અવાજ નથી સાંભળવો ? બધા જ અવાજને ઓઢી ખામોશ કેમ છે ? ઊઠ, મમ્મી…. મમ્મી….