શરતનામું – વિનોદ ભટ્ટ

હસો અને હસાવો 

શરતનામું – વિનોદ ભટ્ટ

મારી મા ક્યારેક કહેતી કે બેટા વિનુ, રસ્તામાં પડેલી ધૂળનેય અવગણવી નહીં, એનોય ક્યારેક ખપ પડતો હોય છે. માનું કહેવું આજે સાચું જણાય છે, એના વગર અમને સહેજ પણ ચાલતું નથી. એનું નામ ધૂળો-ધૂળિયો છે, પણ અમે એને ધૂળજી કહીએ છીએ. અમારો એ ઘર-નોકર છે. કચરા-પોતાં ને એઠવાડ કરે છે. કપડાં ધોવાનું કામ અમે વોશિંગ મશીન પાસે કરાવીએ છીએ. ધૂળજી ઘણો સોબર. મને જોઈને શરમાઈ જતો પણ.
પણ આજે તેનો મિજાજ સાવ અલગ હતો. મારી આંખમાં આંખ પરોવી, મારા હાથમાં કવર મૂકતાં તે બોલ્યો : ‘આમાં શરતનામું છે જે અમારા યુનિયને મોકલ્યું છે. આ શરતો વાંચીને બે દિવસમાં તમારો નિર્ણય જણાવી દેજો જેથી મને ખબર પડે કે મારે શું કરવાનું છે.’ પછી તે ઝડપથી નીકળી ગયો.
તો મારી જોડે તમે પણ વાંચો :
• તમારાં પત્ની તમને પ્રેમથી કે ગુસ્સામાં ભલે તુંકારે બોલાવે, મને એ સામે વાંધો નથી, પણ તમારે બધાંએ માનાર્થે બહુવચનથી મને સંબોધવાનો છે, મને ધૂળજીભાઈ, ધૂળજીચંદ્ર, ધૂળજીકુમાર કે ધૂળજીરાય કહી શકો છો. ધૂળજીરાય બોલવામાં લાંબું કે કંટાળાજનક જણાય તો ફક્ત રાયજી કહેશો તોપણ મને હરકત નથી.
• હવેથી તમને હું શેઠ નહીં કહું ને તમારે મને નોકર નહીં માનવાનો. ગુલામીના દિવસોમાંથી આપણે બંનેએ ધીરે ધીરે બહાર નીકળી જવાનું છે. તેમ છતાં તમારો દુરાગ્રહ હશે તો ચાર-છ મહિના પૂરતો પગારના દહાડે ફક્ત તમને જ સંભળાય એટલા ધીમા અવાજે તમારા કાનમાં પગાર મળી ગયા પછી તેની રસીદ રૂપે તમને હું એક વાર શેઠ કહીશ; આપણી વચ્ચેનો સંબંધ કામ અને દામનો હોવા છતાં તમને હું ભાઈનું સંબોધન કરીશ.
• મણિનગર હોય કે સેટેલાઈટ વિસ્તાર, જમીનના ભાવ બધે જ લગભગ સરખા છે એટલે નદીપારના એરિયામાં કચરા-પોતાં ને વાસણનો જે ભાવ ચાલે છે એ જ ભાવ બધે રહેશે.
• બંગલાના સ્કવેર ફિટ પ્રમાણે તેમ જ કુટુંબની સભ્યસંખ્યા દીઠ સફાઈના ભાવ ગણવામાં આવશે. ઘેર જો મહેમાનો આવે તો એમનાં એઠાં વાસણો ઊટકવાનો ચાર્જ અલગ ગણવામાં આવશે. વધારાનું કામ કરવાનો અમને ક્યાં કોઈ ઓવરટાઈમ મળે છે ! આને જ અમારો ઓ.ટી. ગણવો.
• વર્ષોથી તમે અમને તમારું વધ્યું-ઘટ્યું ને એઠું-જૂઠું ખવડાવ્યું છે, જેની સામે અમે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. પણ એ દિવસો હવે ગયા. હું પણ તમારી જોડે ડાઈનિંગ ટેબલ પર જમવા બેસીશ. તમને મારી જોડે બેસવાનું ન ફાવે તો તમે જમીન પર પાટલો માંડીને કે પછી આસનિયું પાથરીને જમવા બેસશો તોપણ મને ઓછું નહીં આવે, પરંતુ ભાણાભેદ હરગિજ ચલાવી નહીં લઉં. એકની થાળીમાં દૂધપાક હોય ને બાજુમાં જ બેઠેલ બીજી વ્યક્તિને ખીર પીરસવામાં આવે, અથવા એકને પૂરણપોળી ને બીજાને સાદા ઓછા ઘીવાળી રોટલી અપાય ! આવું આજ પછી ચાલશે નહીં.
• મારું ભાવતું શાક હું ખરીદી લાવીશ. સિનિયર સિટીઝન જેવા ઘરડા ભીંડા કે પાકી ગયેલાં પરવળ હું ભાણેય નહી લઉં. તમારે માત્ર તમારી જ તંદુરસ્તીનો ખ્યાલ નથી રાખવાનો; મારી તબિયતની ચિંતા પણ કરવાની રહેશે. શ્રીમતીજી નારાજ ન થઈ જાય એ માટે થઈને તમે ભલે વાસી ભાત કે ખીચડીને વઘારીને ખાજો, એ તમારી ફરજ પણ છે, પરંતુ વાસી ભાતને ઠેકાણે પાડવા તેમાંથી બનાવેલાં ઢેબરાં ને એવું બધું ખાવાની ભલામણ પણ મને ક્યારેય ન કરશો. મારી દાક્તરી સારવારનો ખર્ચ તમને ભારે પડશે. અને સ્વભાવે અતિ સંવેદનશીલ છું, એટલે હું જમતો હોઉં ત્યારે મારી હાજરીમાં ઘરના કોઈ પણ મેમ્બરે મોંઘવારીની ચર્ચા કરવી નહીં કેમ કે એથી મને શંકા કરવાનું મન થશે કે શું મારા એકલાને લીધે જ આખા ભારતમાં મોંઘવારી ફેલાઈ છે ! હું જ જવાબદાર છું ?
• બપોરે બેથી અઢી કલાક હું સૂઈ જઈશ. કોઈએ મારી ઊંઘમાં ખલેલ પહોંચાડવી નહીં, કેમ કે બપોરની ઊંઘ લેવાથી મારી બેટરી ચાર્જ થાય છે. કામ કરવાની સ્ફૂર્તિ વધે છે.
• વ્યસન તરીકે નહીં, પણ ફક્ત તાજગી મેળવવા માટે હું દરરોજ ત્રણ કપ ચા પીશ; સવારે અને બપોરે ઊંઘમાંથી ઊઠ્યા પછી અને રાત્રે ઊંઘ આવે એ માટે. ભૂતકાળમાં તમે મને વગરકહ્યે સવાર અને બપોરની ચા રોજ પિવડાવી છે એ હું નથી ભૂલ્યો. લિપ્ટન કે બુક બોન્‍ડ જેવા કોઈ લેબલવાળી ચા જ પીવાનો મારો આગ્રહ નથી. તમને સસ્તી પડે એ લાવજો, પણ હવેથી ચાની ભૂકી વાપરવાનું તમારે બંધ કરી દેવું પડશે, કેમ કે એનાથી મારા ગળામાં બળતરા થાય છે. મહેમાનો આવે ત્યારે તમને તેમની જોડે કોફીની ચુસ્કીઓ લેતા મેં અનેક વાર જોયા છે. પણ મને તો કોફીની વાસ સુદ્ધાં ગમતી નથી. પોતાને બૌદ્ધિકમાં ખપાવવા કેટલાક લોકો ભાવતી નહીં હોવા છતાં પરાણે કોફી પીતા હોય છે, પરંતુ મને એની (એટલે કે કોફીની) એલર્જી છે અને અમે જે કામ કરીએ છીએ એમાં બુદ્ધિ ખર્ચવાની જરૂર પડતી નથી, બચત સારી રહે છે.
• મારે અઠવાડિયે બે રજા જોઈશે. એ કયો વાર હશે એ મારી મનસૂફી ઉપર રહેશે. તમારે રોજ સવારે અગિયાર વાગ્યા સુધી રાહ જોવાની. અમે આવી પહોંચીએ તો તમારા ઘરવાળાએ રાજી થવાનું ને ન આવીએ તો અમે રાજી છીએ એમ માનીને જાતે કામ કરી લેવાનું. ઉપરાંત બીમાર હોઉં કે બીમાર પડવાનું મન થશે ત્યારે તેમ જ કોઈ વાર મૂડ નહીં હોય તો કામ પર નહીં આવું. પરંતુ હાથમાં હાજરીપત્રક લઈને મારી ગેરહાજરી નહીં પૂરવાની અને પગાર કાપવાની વાત તો શું એનો વિચાર પણ તમારે નહીં કરવાનો.
• દિવાળીની રાહ જોયા વગર મન થાય ત્યારે ચાર-છ મહિને મારા કામની કદર કર્યા કરશો.
• મારે બે-ત્રણ મહિને, પંદર-વીસ દિવસ માટે મારા વતનમાં જવાનું થાય ત્યારે અહીંથી મારા ગામ સુધીનું ફર્સ્ટ ક્લાસનું ટ્રેન-ભાડું કે લક્ઝરી બસનું ભાડું (જે વધુ હશે તે) તમારે શિરે રહેશે. ગામમાં રહેવા દરમિયાન થયેલ મારી ખાધાખર્ચીનો ભાર તમારે માથે નથી.
• અમે જાણીએ છીએ કે જગતભરની સ્ત્રીઓ તેમના માટી તેમ જ ઘાટી સાથે સૌથી વધુ કચકચ કરતી હોય છે. પતિનો – માટીડાનો તો જાણે આમાંથી છૂટકો નથી, પરંતુ અમે સ્વમાની છીએ. ખુદની ઘરવાળી સિવાયની કોઈ પણ સ્ત્રીની કચકચ મને માફક આવતી નથી. માઠું ન લગાડશો, પણ તમારાં પત્નીનો સ્વભાવ પણ ઓછો કચકચિયો નથી. હું ઝાડું કે પોતું મારતો હોઉં ત્યારે મારી પાછળ-પાછળ આવીને કોમેન્‍ટ્રી શરૂ કરી દે છે. ધૂળજી આ ખૂણામાં ધૂળના થર જામ્યા છે. છત પર બાવાં બાઝ્યાં છે, તપેલીમાં એઠવાડ એમનો એમ જ છે. એઠવાળવાળી તપેલી મને બતાવ્યા વગર બીજી વાર ઊટકી ન લેવાય ? અમે તો આજે છીએ ને કાલે નથી, ઘરકામની પ્રેક્ટિસ છૂટી જશે તો રોજ તપેલીઓ, થાળી ને વાટકા બધું જ એઠું રહેશે.
* * * * *
બે દિવસ પછી ધૂળજી મારો જવાબ લેવા આવશે. વાચકમિત્ર ! શું કરીશું આ ધૂળજીનું ?