Updates

6/recent/ticker-posts

Header Ads Widget

મધમાખી માનવજાતની સૌથી મોટી સેવક

મધમાખી માનવજાતની સૌથી મોટી સેવક

દિવ્યભાસ્કરના આસપાસ - કાંતિ ભટ્ટનો લેખ 
મધમાખી માનવજાતની સૌથી મોટી સેવક ધમાખી માનવજાતની છૂપી સેવક છે. ભાવનગરના સ્વ.દિવાન પ્રભાશંકર પટ્ટણી ખેડૂતને જગતનો તાત કહેતા પણ મહાન વિજ્ઞાની ડો. આલ્બર્ટ આઇનસ્ટીન મધમાખીને દુનિયાના ફરીશ્તા તરીકે ગણેલી. તેમના લેખમાં મધમાખીને ‘એન્જલ્સ ઓફ એગ્રીકલ્ચર એન્ડ વર્લ્ડ’ કહેતા. જગતમાં જે ખેતીવાડીના ફૂલ, ફળ, અનાજ કે રોકડીયા પાક થાય છે તેમાંથી 90 ટકા પાકને મધમાખી રજ પુરી (બીજ) પાડે છે. લંડનની વોલ્ડાર્ફ હોટેલ અને મુંબઈ કે દિલ્હીની ફાઈવસ્ટાર હોટેલોમાં સવારના નાસ્તામાં બ્રેડ-બટર અને ચા સાથે તમે નાસ્તો કરો તો સાથે શુદ્ધ મધ પણ મળે છે. મારી પાસે ‘ધ વિઝડમ ઓફ બીઝ’ (મધમાખીઓનું ડહાપણ) નામનું પુસ્તક છે. તેના લેખક ડો. માયકલ ઓ. મોલી આખી દુનિયામાં ફર્યા છે અને મધમાખીઓ વિશે ઝીણામાં ઝીણી વિગતો પ્રગટ કરે છે. તેનો ઉપયોગ અહીં કરું છું. મોરારજી દેસાઈ વડા પ્રધાન હતા ત્યારે તેની દિલ્હીની રૂમમાં મધની બોટલ હોય જ. રોમેન્ટીક નવલકથા લખનારી વિખ્યાત લેખિકા બાર્બરા કાર્ટલેન્ડ મારી જેમ 86 વર્ષની ઉંમરે ખાંડને બદલે સવારે ટોસ્ટ સાથે મધને ચોપડીને ખાતી હતી.મોરારજી દેસાઈના આગ્રહથી મુંબઈના ખાદી ગ્રામોદ્યોગ પંચે પુણેમાં મધમાખી અને મધપુડાના વધુ સંશોધન અંગે ‘સેન્ટ્રલ બી (BEE) રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ સ્થાપેલી. આજે મોદીની સરકારે બીજું કાંઈ નહીં પણ ભારતમાં શુદ્ધ મધ મળે તે માટે ઘરે ઘરે મધપુડા પળાવવા જોઈએ. ભારતના લોકો મધનું મહત્વ ભૂલવા લાગ્યા છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં લોકો ખાંડને તડકે મુકી વિકલ્પમાં મધ ખાવા લાગ્યા છે. મોટા ભાગે ન્યુયોર્કના પરાઓમા ઘરના વાડામાં અમેરિકા મધપુડા ઉછેરવા લાગ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદમાં મધનું મહાત્મ્ય જાણીને આપણે 3350 વર્ષ પહેલા આરબ દેશો અને ઈજિપ્તમાંથી ઘડા ભરેલા મધને વહાણમાં આયાત કરતા હતા. મધનો અનેક રીતે ઉપયોગ થતો હતો. ઈજિપ્તના લોકો ધાર્મિક વિધીમાં મધ વાપરતા. મરેલા રાજાઓના શબને સાચવવા માટે જે ઔષધો વપરાતાં તેમા મધનો મહત્વનો હિસ્સો રહેતો. ઈજિપ્તમાં એક જમાનામાં કોઈ પૈસાની ચોરી કરે તે કદાચ માફ કરાતું પણ મધની ચોરીને ગંભીર ગુનો ગણી આકરી સજા થતી. મને યાદ છે કે સ્ત્રીને પ્રથમ ગર્ભ રહે ત્યારે સીમંતની વિધી થાય તેમાં ગર્ભવતીને મધના ગળપણવાળી ખીર ખવરાવાતી. ડોક્ટર અને આહાર-શાસ્ત્રી ડો. કેલોગ કહેતા કે ગર્ભવતી સ્ત્રી સવારે કોઈ પણ આયુર્વેદના ઔષધ સાથે કે લુખ્ખુ મધ ખાય તો તેના અવતરતા બાળકને શ્વાસના રોગ ન થતા. આજે ઝંડુ ફાર્મસીનું નામ અલોપ થઈ ગયું છે પણ તેના એક સમયના મેડિકલ એડવાઈઝર ડો. નરેન્દ્ર એસ. ભટ્ટે મને કહેલું કે આયુર્વેદમાં તો આઠ પ્રકારના મધનું વર્ણન છે. આપણને સામાન્ય માણસ માટે બે પ્રકાર ઉપયોગી છે. પુણે પાસેના ગાંધી નિસર્ગોપચાર આશ્રમમાં મધ- લીંબુના પાણીથી મેદ- ચરબી ઘટાડાય છે પણ દૂધમાં મધ ઉમેરીને (ખાંડને બદલે) પીવાથી વજન વધે છે. મધમાખી માનવજાતની મોટી- મૂંગી- સેવિકા છે. એક રતલ જેટલું મધ જુદા જુદા ફૂલો કે વૃક્ષોના પાન કે થડમાંથી મધ ચુસવા મધમાખી 50000 માઈલ જેટલુ ઉડે છે. એટલે કે એક ગેલન મધ ભેગું કરવા માખી 10 લાખ માઈલ ઉડે છે. ડો. માઈકલ ઓ. મેલીના પુસ્તકમાં સુક્ષ્મમાં સુક્ષ્મ વાતો લખી છે તેમાં કહ્યુ છે કે મધમાખી મધ એકઠું કરવા તેની નાજુક પાંખોને એક સેકન્ડ દીઠ 230 વખત ફફડાવે છે! એક મધમાખી રોજ 50 રતલ જેટલો ‘ફૂલરસ’ ભેગો કરીને વરસમાં 50 રતલ મધ એકઠું કરે છે. હું બર્મા-મ્યાનમાર ગયેલો ત્યારે એક વાતનો ખ્યાલ રાખેલો કે બર્મામાં શુદ્ધ મધ ત્યાંના જંગલોમાં મળે છે. તે લાવવું દરેક બર્મીઝ ઘરમાં અચૂક મધની બોટલ રાખે છે. મહુવામાં અમે ટીનેજર તરીકે (ભાદરોડ- તલગાજરડા પાસે) ત્યારે કોઈને વીંછી કે સાપ કરડે તો તેને ઘી સાથે મધ ચટાડાતું. મધમાં કુદરતી એક્ટીબેક્ટેરીયન ગુણો છે. બ્રિટનના સર્જન ડો. મેથ્યુ ડ્રાયડેને પ્રચાર કરેલો કે જો શુદ્ધ મધ વપરાય તો લડાઈમાં કે શહેર-ગામડામાં ઘવાયેલા માણસનો ઘા ઘી-મધ સાથે ચટાડવાથી મટે છે. કોઈ ઘવાય ત્યારે આપણે કેમિકલ્સવાળી એન્ટીબાયોટીક દવા વાપરીએ છીએ તે ભયંકર આડઅસર કરનારા કેમિકલ્સને બદલે મધ ચટાડાય કે ચોપડાય તો જલદી ઘા રૂઝે છે. આલ્બર્ટ આઈનસ્ટીને જોરદાર મત વ્યક્ત કરેલો કે જો મધમાખી જગતમાં ઓછી થશે તો જગતમાં અનાજના ઉત્પાદનમાં ખોટ આવશે. લંડનના ‘ટેલીગ્રાફ’ દૈનિકના બિઝનેસ એડીટર ડો.એમ્બ્રોઝ પ્રિચાર્ડ લખે છે કે જગતની ત્રીજા ભાગની અનાજની પેદાશ મધમાખીઓ જે પોલીનેશન કરે છે એટલે કે છોડને ‘ફલીત’ (પોલીનેશન) કરે છે, તેને આભારી છે. તમને જાણીને નવાઈ લાગશે કે મધમાખી અવનવી પૃથ્વીની પેદાશમાંથી મધ ચૂસે છે. ફળો, બેરીઝ, તરબુચ, મગફળી, બદામ, કાજુ વગેરે જ નહીં પણ સફરજન, ડુંગળી, કોબી, કઠોળ, નાળિયેરી, ટમેટાં, કોફી અને કોકોના છોડમાંથી પણ મધમાખી તેનો મધુર રસ ચૂસીને આપણને મધ આપે છે!